લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
દાહોદ જિલ્લામાં મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચૂંટણી પ્રચાર કે કાપલીઓના વિતરણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું
દાહોદ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટેનું મતદાન દાહોદ જિલ્લામાં તારીખ ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ થનાર છે. મતદાનના દિવસે મતદાન મથકની આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સુયોગ્ય જાળવણી તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા માટે મતદાન મથકથી ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ચૂંટણી પ્રચાર તેમજ કાપલીઓનું વિતરણ કરવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.
જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે. એમ. રાવલ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક જાહેરનામામાં જણાવ્યા અનુસાર મતદાન મથકોથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવો નહીં કે પક્ષ / ઉમેદવારના ચૂંટણી ચિન્હો દર્શાવવા નહીં. ઉપરાંત મતદાન મથકોથી ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચૂંટણી પંચની સૂચનાનુસાર છપાયેલ હોય તે સિવાયની કોઈપણ ચૂંટણી ઉમેદવાર કે કોઈપણ પક્ષની વિગતો દર્શાવતી બિન અધિકૃત કાપલીઓનું મતદારોને વિતરણ કરવું નહીં. હરીફ ઉમેદવાર, તેમના એજન્ટ અને કાર્યકરના ઉપયોગ માટે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યા વાળા વિસ્તારથી દૂર એક ટેબલ અને બે ખુરશીઓથી વધારે ફર્નિચર મુકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામું નીચે જણાવેલ વ્યક્તિઓને લાગુ પડશે નહીં. ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ, ફરજ પરના પોલીસ/એસ.આર.પી./હોમગાર્ડ /પેરામીલીટ્રી ફોર્સના અધિકારી તથા જવાનો, મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો, ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોના એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ.
ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર બનશે.